Total Pageviews

Tuesday, February 7, 2012



રીપોર્ટ કાર્ડ 2011

ગુજરાતની બાળ મજૂર નીતિ



બીટી કોટનના ખેતરમાં બાળ મજુર



દસ વર્ષમાં માત્ર 4391 બાળ મજુરો મુક્ત થયા


2001ના સેન્સસ પ્રમાણે ગુજરાતમાં બાળ મજૂરોની સંખ્યા 4,85,530 છે. ભારતના 28 રાજ્યોમાં વાઇબ્રન્ટ ગુજરાતનો ક્રમ નવમો છે. શ્રમ આયુક્તની વેબસાઇટ સપ્ટેમ્બર, 2010માં એનએસએસનો સેમ્પલ ડેટા ટાંકીને જણાવે છે કે ગુજરાતમાં કુલ 3,99,820 બાળ મજૂરોમાં શહેરી ગુજરાતનો ફાળો 86,130 છે, જ્યારે ગ્રામીણ ગુજરાતમાં 3,13,700 બાળ મજૂરો છે. આ આંકડાઓ પ્રમાણે 2001થી 2010 સુધીમાં ગુજરાતમાં બાળ મજૂરોની સંખ્યા 4,85,530 થી ઘટીને 3,99,820 થઈ છે. આનો અર્થ એવો થયો કે દસ વર્ષના ગાળામાં માત્ર 85,710 બાળ મજૂરો ઘટ્યા.


સરકાર આરટીઈમાં શું કબુલ કરે છે?

દલિત હક રક્ષક મંચના સેક્રેટરીએ તા. 26\11\2010ના રોજ આરટીઈ હેઠળ કરેલી અરજીના જવાબમાં ગુજરાત રાજ્યની શ્રમ આયુક્તની કચેરીએ તા. 11\1\2011ના રોજ આપેલા જવાબમાં નીચે મુજબના આંકડાઓ રજુ કર્યા હતા.

વર્ષ
મુક્ત કરાયેલા બાળ મજૂરો
વર્ષ
મુક્ત કરાયેલા બાળ મજૂરો
વર્ષ
મુક્ત કરાયેલા બાળ મજૂરો
1999
26
2003
36
2007
488
2000
71
2004
56
2008
1015
2001
69
2005
488
2009
611
2002
09
2006
888
2010
634

આરટીઆઈમાં ખૂલેલા ઉપરોક્ત આંકડાઓ સરકારી વેબસાઇટ પર રજુ થતા ચિત્રથી કૈંક જુદી જ રજુઆત કરે છે. 1999થી 2010 સુધીમાં માત્ર 4391 બાળ મજૂરોને બાળ મજૂરીમાંથી મુક્ત કરવામાં આવ્યા છે. તો પછી 84,710 બાળ મજૂરો કઈ રીતે ઘટી ગયા?


સ્થળાંતરીત બાળ મજૂરોનો કોઈ સર્વે થતો નથી.

ઉપરોક્ત પત્રમાં શ્રમ આયુક્તની કચેરી એવું પણ કબૂલ કરે છે કે વિભાગે સને 199થી 2010 દરમિયાન રાજ્યમાં બાળ મજૂરો સહિત માઇગ્રન્ટ મજૂરોની સંભાવના ધરાવતા વિસ્તારોનો સર્વે કરેલ નથી. આવો સર્વે કરવામાં આવે તો કયા વિસ્તારમાં બાળ મજૂરીને કારણે ડ્રોપ આઉટનો દર વધારે છે તેની જાણ થઈ શકે છે. અને તેમ થાય તો જે તે વિસ્તારમાં આવા ડ્રોપ આઉટ બાળકોને ફરીથી શાળામાં દાખલ કરવાની પ્રક્રિયા ઝડપી બનાવી શકાય છે. ગુજરાતમાં બીટી કોટનના ખેતરોમાં જુલાઈથી સપ્ટેમ્બરની સીઝન દરમિયાન એક લાખ આદિવાસી બાળકોને તેમનું ભણતર છોડાવીને મજૂરીએ લગાવી દેવામાં આવે છે. બનાસકાંઠા, સાબરકાંઠાના જિલ્લાઓમાં આવા બાળકોનું મોટું પ્રમાણ છે.

કચેરી એ પણ સ્વીકારે છે કે અન્ય રાજ્યોમાંથી ગુજરાતમાં આવતા સ્થળાંતરીત મજૂરોની નોંધ રાખવા માટે કોઈ અલગ વ્યવસ્થાતંત્ર નથી. એટલું જ નહીં બાળ મજૂર સહિતના સ્થળાંતરીત મજૂરો માટે આંતર-રાજ્ય સંકલન સમિતિની પણ રચના કરવામાં આવી નથી. આંતર રાજ્ય સ્થળાંતરીત અધિનિયમ અનુસાર સ્થળાંતરીત મજૂરોનું તેમના મૂળ રાજ્યમાં તેમ જ જે રાજ્યમાં તેઓ સ્થળાંતર કરે છે તે રાજ્યમાં રજિસ્ટ્રેશન અનિવાર્ય હોય છે. ગુજરાતના બનાસકાંઠા-સાબરકાંઠા જેવા જિલ્લાઓના બીટી કોટનના ખેતરોમાં કામ કરવા દક્ષિણ રાજસ્થાનથી આવતા આદિવાસી બાળ મજૂરો કે પછી ગુજરાતના ઇંટ ભઠ્ઠાઓમાં કામ કરવા કુટુંબ સહિત આવતા પરપ્રાંતીય મજૂરોનું ભયંકર શોષણ થાય છે.

એક અન્ય આરટીઆઈના જવાબમાં  તા. 05/12/2009ના રોજ શ્રમ વિભાગે કબુલ્યુ હતું કે તા. 01/04/2008 થી D. 31/03/09 દરમિયાન અમદાવાદ જિલ્લામાં માત્ર 37 (સાડત્રીસ) બાળ મજૂરોને મુક્ત કરવામાં આવ્યા હતા અને તેમનું પુન:સ્થાપન કરવામાં આવ્યું હતું. અમદાવાદ જેવા મહાનગરના આ આંકડાઓ દર્શાવે છે કે શ્રમ વિભાગ કેવી ગોકળગાયની ગતિથી કામગીરી કરી રહ્યું છે. 


અગરબત્તી બનાવો,

ઘરમાં બાળ મજુરી ચાલુ રાખો

આરટીઆઈ અરજીના પ્રતિભાવમાં શ્રમ આયુક્તની કચેરીએ જણાવ્યું હતું કે વિભાગ બાળ મજૂરોના પુન: સ્થાપન માટે અગરબત્તી બનાવવાની કીટ વહેંચી રહ્યું છે. બીજી તરફ, બાળ મજૂર (પ્રતિબંધ અને નિયમન) અધિનિયમ, 1986 હેઠળ કુલ 65 પ્રક્રિયાઓને પ્રતિબંધિત ઠેરવવામાં આવી છે અને તેમાં બાળ મજૂરોનો વિનિયોગ કાયદેસર ગુનો છે. (જુઓ પરિશિષ્ટ-3) જે પ્રક્રિયાને કાયદા હેઠળ જોખમી ગણીને પ્રતિબંધિત ઠેરવવામાં આવી હોય તે જ પ્રક્રિયાને લગતી કીટ શ્રમ વિભાગ પોતે વહેંચી રહ્યું હોય અને તે પણ બાળ મજૂરોના પુન: સ્થાપન માટે, તેનાથી મોટી કરુણતા શી હોઈ શકે છે?

આ કહેવાતા સરકારી પુન: સ્થાપનનું બીજું આઘાતજનક પાસુ એ છે કે અગરબત્તી વણવાની કીટ (અને તે પણ પ્રતિબંધિત હોવા છતાં!) વહેંચવા સિવાય શ્રમ વિભાગ આ બાળકોના પુન: સ્થાપન માટે કોઈ અન્ય કામગીરી કરતું નથી. જેમ કે નોડલ વિભાગ તરીકે શ્રમ વિભાગની એ જવાબદારી છે કે તેણે આ બાળકોના શૈક્ષણિક પુન: સ્થાપન માટે શિક્ષણ વિભાગને જણાવવું જોઇએ, પરંતુ શ્રમ વિભાગ કહેવાતા મુક્ત કરાયેલા આ બાળકો અંગે શિક્ષણ વિભાગને જાણ કરતું નથી.

અને છેલ્લે, કહેવાતી મુક્તિ અંગે

શ્રમ વિભાગ બાળ મજુરોને મુક્ત કરે છે કે ફરી પાછા મુક્ત બજારના શોષણખોર ચક્કરમાં ફસાવા છોડી દે છે તે પ્રશ્ન વિચારવા જેવો છે. 




No comments:

Post a Comment