Total Pageviews

Tuesday, February 7, 2012





બીટી કોટનનું કતલખાનું


રાજુ સોલંકી

હડાદની મીટિંગમાં કશુંક યાદ કરવાનો પ્રયાસ કરતો ભરત




રક્ષાબંધનના દિવસને સાંઢોસીનો ભરત ડાભી કેવી રીતે યાદ કરે છે? ગયા વર્ષે આ જ દિવસે એ કુંવારવા ગામે બીટી કોટનના ખેતરમાં સવારના પાંચ વાગે ઉઠીને મજુરી કરતો હતો. રક્ષાબંધનના એ દિવસે ઘરે જઇને બહેન પાસે રાખડી બંધાવવાનો કેવો ઉમળકો એના મનમાં હતો! એના ખેડુત માલિકે એને ઘરે જવા દીધો નહોતો. બદલામાં ત્રણ કિલો ભજીયા ખાવા માટે આપી દીધાં હતા. એની સાથે સાંઢોસીના બીજા પચીસ જણા હતા. કોઇનાય ગળે ભજીયા ઉતર્યા નહોતા

તેર વર્ષની ઉંમરે આવું કામ કરવું કોને ગમે? વહેલી પરોઢે આંખોમાં અડધીપડધી નીંદર હોય ને થોડાઘણાં સાંઢોસીના સીમ, ખેતરો અને આંગણાના સપનાં હોય. બગાસા ખાતાં ખાતાં પાંચ વાગે ફૂલ ચેક કરવા જવાનું. ઉઠવામાં સહેજ ઢીલ થઈ જાય તો, ખેડુત માલિકની લાત પડખામાં પડી જ સમજો. લટકામાં ઉપરથી ગાળ સાંભળવાની. ઘરથી સોએક કિલોમીટર દૂર અજાણ્યા માણસો (એમને માણસ કહેવાય કે કેમ?) વચ્ચે આ બધું સહન કરવું કેટલું વસમું છે એ તો ભરત જ જાણે!  

ફૂલ ચેક કરતી વખતે કેટલી કાળજી રાખવી પડે એ ભરતને સારી પેઠે ખબર છે. બીટી કોટનના નાજુક ફૂલોની પાંદડીઓ પીંખાઈ જાય તો, ખેડુતને મોટું નુકસાન થાય. એને આપઘાત કરવાનો વારો આવે. મોટી મલ્ટિનેશનલ કંપની પાસેથી મોંઘા ભાવે બિયારણ લઇને બેઠો છે બિચારો! પોતાના દીકરા-દીકરીઓને સેલ્ફ ફાયનાન્સ કોલેજોમાં ડોક્ટર અને ઇજનેર બનાવવાનું કેટલું મોટું ટેન્શન એના માથે છે! ભરત જેવા હજારો બાળકોને જીવતેજીવ આપઘાત કરવાની સ્થિતિમાં એ મૂકી રહ્યો છે એની એને ખબર હોય તોય શું?

સવારે પાંચ વાગે કમરતોડ કામ કર્યા પછી છેક આઠ વાગે કાળી કટોડા જેવી ચા મળે છે. ચા પીને આળસ મરડવાનો ભરત પાસે સમય નથી, કેમ કે પાછા બાર વાગ્યા સુધી તો નર લગાવવા જવાનું છે. (નર એટલે પુંકેસર) અને પછી ઘરેથી લાવેલા વાસણોમાં જાતે રોટલા બનાવવાના છે. બૂનિયાદી તાલિમ શબ્દ ભરતે સાંભળ્યો નથી. આવડી નાની ઉંમરે આવી ઊંચી વાતો સાંભળીને કરવાનું પણ શું? વિચારવાનો તો લગીરે ટાઇમ જ નથી. રોટલા સાથે ખેડુતના ઘરેથી રોજે બટાકાનું શાક અને કઢી આવે છે તેને પકવાન સમજીને ખાવાનું છે. જમ્યા પછી આડા પડવાની તો વાત જ જવા દો. બપોરે બે વાગે પાછા ફૂલ પેરાવવા જવાનું છે તે છેક સાંજે એકબીજાના ચહેરા દેખાય નહીં ત્યાં સુધી ખેતરમાં કામ કરવાનું છે.

રાત્રે ખાવાનું બનાવીને પણ આરામ નથી. આખા દિવસના મેલાંઘેલાં કપડાં તો ધોવાના બાકી જ છે! ઘરેથી ૨૩મી જુલાઈએ મેટ (એજન્ટ) સાથે નીકળ્યો ત્યારે માત્ર બે જોડી કપડાં જ એણે લીધાં હતા. રોજના સો રૂપિયા આપવાની વાત થઈ હતી. નવાગામનો ખેડુત હસમુખ ચૌધરી પોતે સાંઢોસીના વતની મનીષ ડાભી સાથે સાંઢોસી આવ્યો હતો. ભરત સાથે ધોરણ ચાર ભણીને ઉઠી ગયેલો નરેશ પણ કુંવારવા ગયો હતો. એ તો ચાર વર્ષથી બીટી કોટનના કામે જાય છે. ચૌદ વર્ષનો પ્રવિણ પણ એમની સાથે હતો. એણે શાળાનું પગથીયું જ જોયું નથી. ચૌદ વર્ષનો શૈલેષ 4 વર્ષથી કામે જાય છે. જુમાભાઈનો પીન્ટુ 15 વર્ષનો છે અને બિલકુલ નિરક્ષર છે. એ તો આ વર્ષે પણ ડીસા બાજુ બીટી કોટનમાં મજુરીએ ગયો છે. એની સાથે સાંઢોસીના ચારેક છોકરા છે. બીટી કોટનની આ સીઝન આમ તો માત્ર જુલાઈથી સપ્ટેમ્બરના ત્રણ મહિના પૂરતી જ હોય છે, પણ એક સીઝનમાં કામ કરવા નિશાળ છોડી દીધા પછી પાછા ભણવા જવાનું કેટલું મુશ્કેલ છે એ તો પીન્ટુ જેવા બાળકોને જ ખબર છે.

હસમુખ ચૌધરીનું ગામ નવાગામ દિયોદર તાલુકામાં, પરંતુ તેના મામા ગોવિંદભાઈ કાંકરેજ તાલુકાના કુંવારવામાં ખેતી કરે છે. મામા-ભાણેજ મળીને ભાગીદારીમાં બીટી કોટનની ખેતી કરે છે. નવાગામમાં હસમુખના ખેતરમાં ત્રણેક દિવસ કામ કર્યા પછી ભરત અને તેના સાથી મજુરો કુંવારવામાં ગોવિંદભાઈના ખેતરમાં કામે ગયા. બધાએ લગભગ ચાલીસ દિવસ કામ કર્યું અને રક્ષાબંધનનો તહેવાર આવ્યો. સહુને સાંઢોસી જવાની ઇચ્છા એટલે હસમુખને કહ્યું. ખેડુતે ત્રણ કિલો ભજીયા ખવડાવીને તેમને પટાવી લીધા.

‘‘દસ દિવસ રોકાઈ જાવ, પછી હિસાબ કરીશું,’’ એવું હસમુખે કહેલું એટલે તેમણે રક્ષાબંધન પછી 10 દિવસ કામ કર્યું. એ 10 દિવસ પૂરા થયા એટલે બીજા 18 દિવસનો વાયદો કર્યો અને એ 18 દિવસ પૂરા થયા એક રૂમમાં બધાને વારાફરતી બોલાવીને એક કાગળ પર સહી કરાવી લીધી. ૧૧ જણાએ સહીઓ કરી, બાકીનાએ સહીઓ કરી નહીં. ‘‘જવુ હોય તો જાવ, નહીંતર મારીને ફેંકી દઈશ,’’ એવી ધમકી હસમુખે આપી હતી.

બીટી કોટનના ખેતરમાં ચાલીસ દિવસ તનતોડ મજુરી કર્યા પછી પણ વેતનના બદલે ગાળો ખાઇને એ છવીસ જણા ૧૩મી સપ્ટેમ્બરે કુ્ંવારવાથી નીકળી નવાગામ ગયા અને ત્યાંથી શિહોરી ગયા. અહીં આવ્યા પછી દિનેશ ડાભીએ  પાછો હસમુખને ફોન કર્યો, એટલે એને બોલાવીને રૂ. ૧૫૦૦ આપ્યા. શિહોરીથી ડીસા બસમાં, ડીસાથી પાલનપુર થઇને દાંતા જીપમાં પહોંચ્યા. દાંતા આવીને પૈસા ખૂટી પડ્યા એટલે બધાએ ચાલવાનું શરૂ કર્યું. થોડા વધેલા પૈસાથી સીંગ અને ગોળ લીધાં અને સૌએ વહેંચીને ખાધા. થાકીને લોથપોથ થઈ ગયા હતા, ભરત જેવા બાળકોતી ચલાયું નહીં, એ લોકો અધવચ્ચે હાઇવેની બાજુમાં જ રાત્રે સૂઈ ગયા હતા. અંબાજી હજાર હાથવાળી માતાના દર્શન કરવા લોકો શોખથી જાય છે. આ બીટી કોટનના બાળમજુરોનો સંઘ હતો. એમને રસ્તામાં ખાવાનું તો શું પાણી પીવડાવનારું પણ કોઈ નહોતું. સાંઢોસીથી લગભગ ૧૮૦ કિલોમીટરના અંતરે કુંવારવા આવેલું છે.

મજુરી વિના અપમાનિત થઇને સાંઢોસી પાછા આવ્યા પછી પણ એમને મનમાં ઊંડે ઊંડે મજુરી મળવાની આશા હતી. એટલે તો જ્યારે હસમુખે મનીષ ડાભીને ફોન કરીને કહ્યું કે પૈસા લેવા આવો, ત્યારે બધા હોંસે હોંસે પૈસા લેવા દોડ્યા હતા. પરંતુ, કુંવારવા ગયા પછી એમને જે અનુભવ થયો એ તો અગાઉના અનુભવથી પણ કપરો હતો. કુંવારવા ગયા ત્યારે તેઓ ભૂખ્યા હતા, પરંતુ દારૂ પીને આવેલા હસમુખે જમાડવાની ના પાડી. એક કાગળ પર બધાની સહી કરાવતો હતો. મનીષભાઇએ સહી કરવાની ના પાડી તો, હસમુખે એના ગાલ પર ધડાધડ ચપ્પલ ઠોક દીધાં અને એને ત્યાંથી કાઢી મૂક્યો.   

૧૦ ઓક્ટોબર, ૨૦૧૦એ પાલનપુરના એડવોકેટ દિનેશ પરમારે હસમુખ ચૌધરીને રજિસ્ટર્ડ પોસ્ટથી એક નોટિસ મોકલી અને તેની એક નકલ કાંકરેજ (શિહોરી)ની મદદનીસ સરકારી શ્રમ અધિકારીની કચેરીને મોકલી. શ્રમ કચેરીએ ૪ નવેમ્બર, ૨૦૧૦એ હસમુખ ચૌધરીને લઘુતમ વેતન ધારા હેઠળ થયેલી ફરિયાદની સુનાવણીમાં ૧૮ નવેમ્બરે હાજર થવા નોટિસ પાઠવી. સરકારે હજુ સુધી બીટી કોટનની કામગીરીને બાળકો માટે જોખમી ઉદ્યોગ કે પ્રક્રિયાની યાદીમાં સામેલ કરી નથી. એટલે બીટી કોટનના કામમાં બાળ મજુરો રાખતા ખેડુતો સામે ફોજદારી કાર્યવાહી થઈ શકતી નથી. શ્રમ કચેરી કે કલેક્ટર કચેરી પણ ‘‘અમારું કામ નિયમનનું છે, પ્રતિબંધનું નથી,’’ એમ કહીને છટકી જાય છે.

આ ગુજરાત છે. અહીંના માલદાર વેપારીઓ જીવદયામાં માને છે. અહીંની સરકારને તો ગાયો એટલી બધી વહાલી છે કે તેણે ગાયોની કતલ થતી અટકાવવા કાયદો ઘડ્યો છે. ગાયો તો શિંગડા પણ મારી શકે છે. બીટી કોટનમાં કામ કરતા બાળકોને શિંગડા હોતા નથી. સરકાર ખેડુતો વિરુદ્ધ ઉદ્યોગપતિઓનો સવાલ આવે ત્યારે ઉદ્યોગપતિઓનો અને ખેતમજુરો વિરુદ્ધ ખેડુતોનો સવાલ આવે ત્યારે ખેડુતોનો પક્ષ લેતી રહે છે. એટલે કે સરકાર નબળા સામે સબળાનો પક્ષ લે છે. અહીં ગાયો બચાવવા માટે આંદોલનો થાય છે અને છાપાઓમાં છાશવારે સમાચારો પણ છપાત રહે છે, પરંતુ બીટી કોટનના કતલખાનામાં જેમના બાળપણની નિર્દયતાપૂર્વક કતલ થાય છે તેવા બાળકો માટે સરકાર, છાપા, શહેરી બુદ્ધિજીવીઓ કશું જ બોલતા નથી.
    


 

    


 

    

No comments:

Post a Comment